લોકસભા ચૂંટણી લડવા માગતા હાર્દિક પટેલને લાગ્યો ઝાટકો, HCના જજે હાર્દિકની અરજી 'નોટ બીફોર મી' કરી
abpasmita.in | 13 Mar 2019 12:35 PM (IST)
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલને હાઈકોર્ટથી ઝાટકો લાગ્યો છે. વિસનનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના મામલે હાર્દિક પટેલને વધુ એક ઝાટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિકે વિસનગર કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે. હવે હાર્દિકની અરજી પર 15મી માર્ચે બીજા જજ સુનાવણી શરૂ કરશે. નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. જોકે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી. આથી ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે માટે હવે હાર્દિકની અરજી પર 15મી માર્ચે બીજા જજ સુનાવણી શરૂ કરશે.