Gujarat heavy rain warning today: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4:30 વાગ્યે આગામી 3 કલાક એટલે કે સાંજે 7:30 વાગ્યા સુધી માટે તાકીદની આગાહી (નાઉકાસ્ટ) જાહેર કરવામાં આવી છે. આ નવી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની શક્યતા છે, જેના માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ અને બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા અને અરવલ્લી માટે 'ઓરેન્જ એલર્ટ'
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 3 કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા જેવા તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ વાદળથી જમીન પર 30% થી 60% જેટલી વીજળી પડવાની સંભાવના હોવાથી આ બંને જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
22 જિલ્લાઓમાં 'યલો વોચ' અને હળવો વરસાદ
રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને 5 mm/hr થી ઓછો હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે 'યલો વોચ' જાહેર કરી છે. અહીં વીજળી પડવાની શક્યતા 30% થી ઓછી એટલે કે નહિવત છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે:
ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર.
સૌરાષ્ટ્ર અને દીવ: સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવ.
દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી.
આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
સંભવિત અસરો અને સાવચેતીના પગલાં
આ વરસાદ અને વાવાઝોડાના કારણે જ્યાં મધ્યમ વરસાદ છે તેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ થવો કે ગટરો ઉભરાવાની સમસ્યા થઈ શકે છે. ભારે પવનના લીધે કાચા મકાનો, હોર્ડિંગ્સ કે વૃક્ષો પડવાનો પણ ડર છે. આ ઉપરાંત, એરપોર્ટ અને ફ્લાઈટની કામગીરી પર પણ થોડી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતોને પોતાના પાક અને પશુધનને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને સામાન્ય નાગરિકોને ખરાબ વાતાવરણ અને વીજળી ચમકતી હોય ત્યારે સલામત સ્થળે જ રહેવા અપીલ કરી છે.
