ગુજરાતના દરિયાકાંઠે  'તાઉ-તે' વાવાઝોડું ત્રાટક્યું હતું અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભયાનક વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો.  તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ વાવાઝોડાની  સૌથી વધુ અસર રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થઈ છે જેમાં  ગીરસોમનાથ,  ઉના, અમરેલી અને  દીવમાં થઇ હતી. 18 મે ના રોજ ગુજરાત માથે આવી પડેલી અણધારી આફત તાઉ તે વાવાઝોડાંએ સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવ્યો હતો. આ દરમિયાન લાખો લોકોનું સ્થળાંતર, તંત્રની અનેક વ્યવસ્થાઓ પછી પણ રાજ્યમાં અનેક લોકોના મોત થયા હતા.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા.  પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.   કેન્દ્ર સરકાર તરફથી 1 હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.  


જોકે હવે તાઉ તે વાવાઝોડા સંદર્ભે ગુજરાત સરકારે કેન્દ્રને એક રજૂઆત કરી છે.  ગુજરાત સરકારે NDRF અંતર્ગત 9836 કરોડની સહાયની માગ કરી છે. આ અંતર્ગત ગુજરાત સરકારે આવેદનપત્ર ભારત સરકારને મોકલાયું છે. આ આવેદન પત્રમાં NDRFના ધોરણે સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે જ ખેતી, માળખાકીય સવલતોને પહોચેલા નુકસાનની પણ જાણ ગુજરાત સરકારે કરી છે. રાજ્ય સરકારે SDRF માટે પણ વધુ રૂ.500 કરોડની માગ કેંદ્ર પાસે કરી છે. આ સહાય ભારત સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરાઇ છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. 500 કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.


ગુજરાત પર તાજેતરમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.  ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેરાયો હતો.  સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.