હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગની મહિલા મેરીટમાં આવતી હોય તો તેને ઓપન કેટગરીની મહિલા અનામત બેઠકોમાં સમાવિષ્ટ ગણવામાં આવે. સરકારી ભરતી મુદ્દે રાજ્ય સરકારે 1-8-2018ના રોજ બહાર પાડેલો ઠરાવ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રદ કર્યો છે.
2017માં જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલી પોલીસ ઇન્સપેક્ટર (વર્ગ-2)ની ભરતી મુદ્દે ઉપસ્થિત થયેલાં મુદ્દાઓ અંગે હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 1-8-2018ના રોજ કરેલાં ઠરાવના કેટલાંક મુદ્દાઓને પડકારવામાં આવ્યા હતા.
આ ઠરાવ મુજબ અનામત વર્ગની મહિલા ઉમેદવાર તેના મેરીટના આધારે ઓપન કેટગરીની મહિલા અનામતમાં આવતી હોય તો તેનો સમાવેશ અનામત વર્ગમાં જ કરાતો હતો. તેમને ઓપન કેટેગરીમાં જગ્યા આપી તેની ખાલી પડેલી અનામત કેટેગરીની જગ્યા ભરવા માટેની જોગવાઇ આ ઠરાવમાં નહોતી. હાઇકોર્ટ આ ઠરાવને અયોગ્ય અને દોષપૂર્ણ ઠેરવ્યો છે અને તેને રદ કર્યો છે.
આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, ઓપન કેટેગરીની મહિલા અનામત બેઠકો પર રાજ્યની મેરીટમાં આવતી તમામ કેટેગરીની મહિલા ઉમેદવારોનો હક છે. હાઇકોર્ટ સમક્ષ આવેલી અરજીઓમાં પી.આઇ.ની કુલ 115 પોસ્ટ હતી. જેમાં ઓપન કેટેગરીની 60 બેઠકો હતી અને તે પૈકી 20 બેઠકો મહિલાઓ માટે અનામત હતી.
ઓપન કેટેગરીના 60 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવા માટે સૌપ્રથમ મેરીટમાં આવતા પ્રથમ 60 ઉમેદવારોને તેની કેટગરી કે લિંગને ધ્યાનમાં લીધા વગર પસંદ કરવાના હતા. ત્યાર બાદ આ 60ની યાદીમાં ઓછામાં ઓછી 20 મહિલા ઉમેદવારો છે કે નહીં તે ચકાસવાનું હતું. તેમાં 20 મહિલાઓ ન હોય તો અન્ય કેટેગરીની મેરિટમાં આવતી મહિલાઓની પસંદગી કરી આ લિસ્ટ પૂર્ણ કરવાનું હતું.
આ પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં રિટ થતાં સિંગલ જજે 1-8-2018ના ઠરાવની જોગવાઇઓને માન્ય રાખી અનામત કેટેગરીની સાત મહિલાઓને બાકાત કરવાનો આદેશ કર્યો હતો, જેની સામે ડિવીઝન બેન્ચમાં અપીલ કરાઇ હતી. હાઇકોર્ટે સિંગલ જજના આદેશના અમુક અંશો રદ કર્યા છે અને ઠરાવ પણ રદ કર્યો છે. આ ઉપરાંત આ સાત ઉમેદવારો માટે સ્પેશિયલ કેસમાં વધારાની પોસ્ટની રચના કરવા પણ આદેશ કર્યો છે.