Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. લઠ્ઠાકાંડને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય પણ પહોંચી ગયા છે. તેઓ હાલ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.
જગદીશ ઠાકોરે શું કહ્યું
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા જણાવ્યું, દેશી અને ઈંગ્લીશ દારૂનો ધંધો કોણ કરશે તે ભાજપ નક્કી કરે છે. દરેક જિલ્લા અને તાલુકામાં ભાજપ દ્વારા નક્કી થાય છે. અમારા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે છે પણ બુટલેગર અને પોલીસ દારૂ બંધ કરાવનારા લોકોને ધમકી આપે છે. દારૂના ધંધાવાળા ચૂંટણી સમયે ફંડ આપે છે, હું આક્ષેપ નથી કરતો સાબિત કરવા તૈયાર છું.
બુટલેગરના હાથે મરવું પડે તો તૈયાર છીએઃ જગદીશ ઠાકોર
આ ઉપરાંત તેમણે કહ્યું, હર્ષ સંઘવી રોજીદ ગામમાં આવે અને આ પીડા જોવે. કેટલાય લોકો એવા છે જે પોલીસ અને બુટલેગરની બીકે સારવાર નથી કરવી શકતા. પરિવારે રૂ. 10 લાખની સહાયની સરકાર પાસે માગણી કરી છે. કાલે વિપક્ષના નેતા રાજ્યપાલને મળીને રજૂઆત કરશે. ઉડતું ગુજરાત અમારે નથી થવા દેવું, બુટલેગરના હાથે મરવું પડે તો તૈયાર છીએ, પોલીસ ખોટા કેસ થાય તો પણ અમે તૈયાર છીએ.
દારૂબંધી હટાવોઃ શંકરસિંહ વાઘેલાની માંગ
શંકરસિંહ વાઘેલાએ લઠ્ઠાકાંડ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પી ને મરી ગયા છે. તેથી ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. દારુબંધીનો ખોખલો દંભ કરો બંધ કરો.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું
ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે લઠ્ઠાકાંડને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- લઠ્ઠાકાંડમાં જે લોકોનાં મોત થયા છે તેને લઇને હું દુખની લાગણી વ્યક્તિ કરું છું. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે. એક વ્યક્તિના નશો કરવાથી આખો પરિવાર બરબાદ થતો હોય તો નશો ન કરવો જોઇએ. યુવાનોને ઝેરના વેપલાથી દુર રહેવા અલ્પેશ ઠાકોરે ટકોર કરી કહ્યું, દારુ વેચનારા એક પ્રકારના રાક્ષસોને સજા થવી જોઇએ.
રોજીદ ગામ હિબકે ચડ્યું
બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી.. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત