નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગરમાં અવસાન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટ કરી શ્રધ્ધાંજલિ આપી છે.

નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીને અડગ નેતા ગણાવીને દાયકાઓ લગી ગુજરાતના રાજકારણમાં તેમણે ભજવેલી મહત્વની ભૂમિકાને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપી હતી. મોદીએ સોલંકીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું કે, તેમણે સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે વાત કરીને તેમને સાંત્વના પાઠવી છે.

મોદીએ સોલંકીના સાહિત્ય પ્રેમને અને તેમની સાથેના સંસ્મરણોને પણ તાજાં કર્યાં છે. મોદીએ લખ્યું કે, રાજકારણ સિવાય માધવસિંહજી સોલંકી વાંચનની મજા માણતા અને સાંસ્કૃતિક બાબતો વિશે અત્યંત સજાગ હતા. મોદીએ લખ્યું છે કે, હું જ્યારે પણ માધવસિંહજીને મળતો કે તેમની સાથે વાત કરતો ત્યારે અમે પુસ્તકોની ચર્ચા કરતા અને માધવસિંહજી મને પોતે તાજેતરમાં વાંચેલાં પુસ્તકો વિશે કહેતા. માધવસિંહજી સાથે થયેલી વાતો અને સંવાદ મને હંમેશાં ખુશી આપશે.



માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તે પરત ફર્યા બાદ રવિવારે માધવસિંહ સોલંકીની અંતિમવિધિ થશે. માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે  પોતાનો મહિસાગર ખાતેનો કાર્યક્રમ રદ કરીને કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળી શોક દર્શક ઠરાવ પસાર કર્યો હતો. રૂપાણીએ સેક્ટર-20 ખાતે માધવસિંહના નિવાસસ્થાને જઇને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.