અમદાવાદઃ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક વિસ્તારમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાઈ છે. આ સ્થિતિને નિવારવા ગુજરાત સરકારે 24 કલાક માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર પાણીના પ્રશ્ને નાગરિકોની ફરીયાદોને ઝડપથી ઉકેલવા પાણી પુરવઠા વિભાગે વહીવટી તંત્ર ગોઠવ્યું છે.

નર્મદા વિભાગનો હવાલો સંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 29 એપ્રિલને સોમવારના રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં પાણીની સ્થિતિ અને સરકારી આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણી રહ્યું નથી. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં જીવંત પાણીનો જથ્થો (વપરાશમાં લઈ શકાય એટલુ પાણી) ૦.૯૩ મિલિયન એકર ફુટ છે.



નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કચ્છ જેવા જિલ્લામાં વરસાદ ઓછો હતો. તે પહેલાંથી આયોજન કરવામાં આવ્યું. 120 કરોડના ખર્ચે 64 કિમી સુધીની ઉપલેટાથી રાણાવાવ સુધીની પાઇપલાઇન ગુજરાત સરકાર દ્વારા નાખવામાં આવી છે. પોરબંદરના ડેમમાં ઓછું પાણી છે. આથી મુશ્કેલી છે, જોકે ઉપલેટાથી પાઈપ લાઈનનુ‌ કામ બે દિવસમાં પુરું કરવામાં આવશે 2 કરોડ લીટર પાણી નર્મદાનું આપવામાં આવશે.



ચૂંટણી આચારસંહિતાને કારણે અછતગ્રસ્તક્ષેત્રોમાં ટયૂબવેલ, હેન્ડપંપની મંજૂરીઓ વિલંબિત હતી. હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે એટલે ચૂંટણી પંચને આચારસંહિતા હળવી કરવા વિનંતી કરી છે. પાણીની સમસ્યા નિવારવા સરકારે પહેલાથી જ કલેક્ટર સ્તરે અધિકારો સુપરત કર્યા છે, આથી તેમની કક્ષાએ જ ઝડપથી મંજૂરીઓ મળે તેવી સુચનાઓ આપાઈ છે. એમ કહેતા નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી, ડુંગરાળ પ્રદેશમાં હેન્ડપંપ, મીની હેન્ડપંપને સરકાર અગ્રિમતા આપશે તેમ ઉમેર્યુ હતુ.