ટ્રેન્ડિંગ





હવે ગુજરાત બનશે સુપોષિત! રાજ્યભરમાં આવતીકાલથી બે અઠવાડિયાં સુધી 'પોષણ પખવાડિયું - ૨૦૨૫' ઉજવાશે
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં પોષણ વ્યવસ્થાપન, તંદુરસ્ત જીવનશૈલી અને કુપોષણ મુક્તિ પર વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

Poshan Pakhwadiyu 2025: ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ આવતીકાલ તારીખ ૮મી એપ્રિલથી ૨૨મી એપ્રિલ ૨૦૨૫ સુધી 'પોષણ પખવાડિયું - ૨૦૨૫'ની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને દેશને પોષણયુક્ત બનાવવાનો છે.
'વિકસીત ભારત'ના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે અને આ માટે પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર મહિનામાં 'પોષણ માસ' અને માર્ચ-એપ્રિલ મહિનામાં 'પોષણ પખવાડિયું' ઉજવવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ વર્ષના પોષણ પખવાડિયા ૨૦૨૫ માટે કુલ પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત, મોનિટરિંગ અને સેવા પહોંચાડવા માટે બેનિફિશિયરી મોડ્યૂલ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો પ્રચાર કરવો અને પરંપરાગત તથા સ્થાનિક પોષણક્ષમ આહારને સ્વીકારવા માટે પ્રોત્સાહન આપવું જેવા પાંચ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પોષણ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ જન આંદોલનને પ્રોત્સાહિત કરવાનો છે. પોષણ અને આરોગ્ય વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે રાજ્યભરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની વૃદ્ધિ દેખરેખ માટે વિશેષ સત્રો યોજાશે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોષણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, માતા અને બાળ આરોગ્ય પર સમુદાય-આધારિત કાર્યક્રમો યોજાશે અને સંતુલિત પોષણ માટે પરંપરાગત આહારના મહત્વને સમજાવવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.
આ અભિયાનની સફળ તૈયારી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સંલગ્ન વિભાગોના નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સ્તરે, ખાસ કરીને ક્ષેત્રીય સ્તરે સંકલનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સંલગ્ન વિભાગો દ્વારા આયોજિત પ્રવૃત્તિઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજ્યના તમામ નાગરિકોને આ પોષણ પખવાડિયામાં સક્રિયપણે જોડાઈને "સુપોષિત ગુજરાત"ના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો કરવા આહ્વાન કર્યું છે.