અમદાવાદ: ગુજરાત માટે રાહતનાં સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાની અસરને પગલે પહેલા દહેશત હતી કે વરસાદ થોડો પાછળ જઇ શકે છે.

નોંધનીય છે કે, વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. 24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે.



નોંધનીય છે કે કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી. હવે આ ચોમાસું આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે.

હવે ગુજરાતમાં પણ 24 અને 25 જૂનનાં રોજ વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. જેનાથી ગરમી અને બફારથી ત્રસ્ત લોકો રાહત અનુભવશે.