અમરેલીઃ કોરોના સંક્રમણને કારણે ત્રણ માસ સુધી મુલતવી રહેલી રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી. તેની સાથે જ નેતાઓના પક્ષપલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખે પંજો છોડી કેસરિયો ધારણ કર્યા બાદ હવે નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે.

કોંગ્રેસના આગેવાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેસરિયો ખેસ ધારણ કરતાં વિપક્ષને મોટો ફટકો પડ્યો છે. ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગી પ્રમુખ સહિતના 4 પૂર્વ સદસ્યો ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ધારી યાર્ડના એક ડિરેકટર  પણ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત 3 સરપંચો સહિતના મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિત ભાજપના આગેવાનોએ તમામના પક્ષમાં આવકાર્યા હતા. ધારીના ધારાસભ્ય જે.વી કાકડીયાએ ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા જે.વી.કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં તેઓ ભાજપની ટિકિટ પરથી જંગી બહુમતિથી વિજેતા બન્યા હતા.



6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.



નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ છે.  મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.