Gujarat Weather Update: રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 16 અને 17 તારીખે પોરબંદર,જુનાગઢ,ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 17 અને 18 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, 18 અને 19 તારીખે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ શરુ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.
અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. જે મુજબ કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. 23થી 26 જુલાઈ વચ્ચે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસી શકે છે. અન્ય સિસ્ટમ સર્જાયા બાદ 29 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી વરસાદ વરસશે. ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થશે.
સૌરાષ્ટ્રના કેટલા જળાશયો થયા ઓવરફ્લો
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.