હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં તેને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર દરિયાઈ સપાટીથી 3.6 કિમીના સ્તરે અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન છવાયું છે.
ચોમાસાનો ભેજ ગુજરાતમાં પ્રવર્તી રહ્યો છે જેના કારણે ચોમાસાની ગતિવિધિ તેજ બની છે અને રાજ્યભરમાં ચારેય બાજુ વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અમદાવાદ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ અને કેન્દ્ર શાસિત દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં કેટલાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં એકાદ બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા ચાલુ રહેશે. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં બધાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.