અમદાવાદ: ગઈકાલે મોડી રાતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષ પડી ગયા હતાં.

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગામી 48 કલાકમાં સાઉથ વેસ્ટ મોન્સૂનની અસર મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની સાથે સાથે સાઉથ ગુજરાતમાં અસર પણ જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

24મી જુને જાહેર કરવામાં આવેલા વરસાદના સત્તાવાર આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઈંચ વરસાદ ખેડા જિલ્લાના કઠલાલમાં નોંધાયો છે.

રાજ્યના 251 તાલુકામાંથી પાંચ તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે 50 તાલુકાઓમાં 0થી 0.6 ઈંચ વરસાદ નોંધાયો છે. 76 તાલુકાઓમાં બેથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 18 તાલુકા એવા છે જ્યાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બે તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7 એમએમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કઠલાલમાં ત્રણ ઈંચ પડ્યો હતો. અમદાવાદમાં 1 ઈંચ, દેત્રોજમાં એક ઈંચ, કપડવંજમાં બે ઈંચ, સંખેડામાં 22 મીમી, બાલાસિનોરમાં એક ઈંચ, વડોદરામાં 21 મીમી, ડેસરમાં 35 મીમી વરસાદ નોંધાયો છે.

કચ્છમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો નથી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 10 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગાંઘીનગર જિલ્લામાં 21 મીમી નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોઈ વરસાદ નોંધાયો નથી. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1 મીમી વરસાદ પડ્યો છે.