અમદાવાદ અને વડોદરા મનપામાં સતત ચોથી વખત ભાજપે સત્તા મેળવી છે. અમદાવાદમાં આપને એંટ્રી મળી નથી પણ ઓવૈસીની પાર્ટી AIMIMની એંટ્રી થઈ છે.
સુરત મનપાના કુલ 30 વોર્ડની 120 બેઠકમાંથી 93 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. તો આમ આદમી પાર્ટીના ખાતામાં 27 બેઠક આવી છે. જ્યારે કૉંગ્રેસને તો ખાતું ખોલવામાં પણ ફાંફા પડી ગયા. ચૂંટણીમાં કૉંગ્રેસના દિગ્ગજો હારી ગયા. જેમાં પૂર્વ નેતા વિપક્ષ પપન તોગડિયા. દિનેશ કાછડિયા અને અસલમ સાયકલવાળા સહિતના નેતાઓ સામેલ છે.
અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 159 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકમાંથી 68 બેઠક પર ભાજપે કર્યો કબજો. તો કૉંગ્રેસના ખાતામાં માત્ર 4 બેઠક આવી હતી જ્યારે અન્ય પક્ષો ધોવાઈ ગયા.
વડોદરા મનપાની કુલ 19 વોર્ડની 76 બેઠક પૈકી 69 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ જ્યારે કૉંગ્રેસના ફાળે માત્ર સાત જ બેઠક આવી હતી. તો અન્ય કોઈ પક્ષ તો પોતાનું ખાતુ પણ ન ખોલાવી શક્યા. શહેરના કુલ 15 વોર્ડમાં ભાજપની પેનલનો થયો વિજય. તો વોર્ડ નંબર -1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો.
ભાવનગરની કુલ 13 વોર્ડની 52 બેઠકમાંથી ભાજપે કર્યો 44 બેઠક પર કબજો. તો કૉંગ્રેસના ખાતામાં આવી 8 બેઠક. અન્ય પાર્ટીઓ ખાતુ પણ ખોલાવી ન શકી. ભાવનગરના કુલ 13 વોર્ડમાંથી 10 વોર્ડ પર તો ભાજપની જ પેનલનો વિજય થયો.. તો 2 વોર્ડમાં કૉંગ્રેસની પેનલનો વિજય થયો.
જામનગરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકમાંથી ભાજપે 50 બેઠક પર કબજો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 11 બેઠક આવી હતી અને BSPને ત્રણ 3 બેઠક મળી હતી.