અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી છે. આ પહેલા બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા છે.


રાજ્યમાં પાંચ વર્ષ બાદ પાટીદાર પાવર


નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિમણૂંક કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર આવ્યો છે. 2012માં ગુજરાતમાં ભાજપમાં પાટીદાર ધારાસભ્યની સંખ્યા 36 હતી, જે 2017માં ઘટીને 28 થઈ હતી. જ્યારે 2012માં કોંગ્રેસમાંથી 14 પાટીદાર ધારાસભ્યો ચૂંટા હતા, જે સંખ્યા વધીને 2017માં 20 પર પહોંચી હતી. આમ ભાજપ સરકારમાં પાટીદારોની ઘટી રહેલી સંખ્યા અને વોટબેંકને સાચવવા ફરીથી કેન્દ્રીય મોવડી મંડળે પાટીદાર મુખ્યમંત્રી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.


કયા પાટીદાર મુખ્યમંત્રીએ કેટલા દિવસ કર્યું શાસન


ચિમનભાઈ પટેલ 1,652 દિવસ


બાબુભાઈ પટેલ 1,253 દિવસ


કેશુભાઈ પટેલ 1,533 દિવસ


આનંદીબેન પટેલ 808 દિવસ


સિવિલ એન્જિનિયર છે ભૂપેન્દ્ર પટેલ


તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો.  ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના સૌથી વધુ લીડથી જીત્યા હોવા છતાં મંત્રીમંડળમાં બાદબાકી કરવામાં આવતાં કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું.


15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો જન્મ
સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું છે
કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે
AMCના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે
અમદાવાદ ઘાટલોડિયાના છે ધારાસભ્ય
ગુજરાતમાં કોઈ પણ ખાતાના મંત્રી નહોતા
પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી
કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે
વર્ષ 2008-10 સુધી અમદાવાદ સ્કૂલ બોર્ડમાં ચૅરમૅન રહ્યા
2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર રહ્યા
2015-17 સુધી ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે
મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા