Gujarat News: ફરી એકવાર ગુજરાતીઓને વિદેશમાં જવાનું મોંઘુ પડ્યું છે, આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો યુવાન છેતરાયો હોવાની ઘટના ઘટી છે. પાલનપુરના યુવકે વિદેશ જવાની અને ત્યાં જઇને નોકરી સેટલ કરવાની લાલચમાં આવીને 5.46 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના પાલનપુરમાંથી યુવાનોને ઓસ્ટ્રેલિયા લઇ જઇને ત્યાં નોકરી આપવાની લાલચમાં મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, અહીં એક યુવાનને એજન્ટ દ્વારા પહેલા અમદાવાદમાં ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસેથી ટુકડે ટુકડે 5.46 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 8 લોકો સાથે વિદેશ જવાની લાલચ આપીને છેતરપિંડી થઇ છે. જેમાં પાલનપુરના 7 અને મહેસાણાનો 1 યુવાન સામલ છે. ઓસ્ટ્રેલિયામાં નોકરી આપવાની જાહેરાત અખબારમાં વાંચીને પાલનુપુરનો યુવાન અને તેની સાથે અન્યો પણ અમદાવાદમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા. અહીં તેઓ યુવાન રાજકોટનાં ઉપલેટા ગામના ઈસમનાં સંપર્કમાં આવ્યા હતા. આ એજન્ટે પાલનપુરના યુવાન પાસેથી ઓસ્ટ્રેલિયામાં નોકરી આપવાની લાલચ આપીને ટુકડે ટુકડે 5.46 લાખ ખંખેરી લીધા હતા, બાદમાં જ્યારે એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો, ત્યારે યુવાનો સાથે છેતરપિંડી થયાની વાત ખુલી હતી.
આ પહેલા સાબરકાંઠાના યુવકને અમેરિકા જવાનો અભરખો મોંઘો પડ્યો હતો, એજન્ટે 70 લાખ ખંખેરી લઇ ડૉમિનિકા પહોંચાડી દીધો
રાજ્યમાંથી વધુ એકવાર અમેરિકા લઇ જવાની યુવાન સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં એક યુવાનને અમેરિકા લઇ જવાના બહાને એજન્ટે 70 લાખ રૂપિયા ખંખેરી લીધા છે, એટલું જ નહીં હાલ યુવાનની પણ કોઇ ભાળ નથી મળી રહી. પ્રાંતિજ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા વાઘપુર ગામના યુવક ભરતભાઇ દેસાઇને ૭૦ લાખ રૂપિયામાં અમેરિકા લઈ જવાનું કહી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં યુવકની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદ અનુસાર, પ્રાંતિજના વાઘપુરના યુવકને ૭૦ લાખ રૂપિયામાં એજન્ટે અમેરિકા લઈ જવાનું કહ્યું હતુ, એજન્ટે યુવકને વર્ક પરમીટ પર અમેરીકા જવાનું કહીને 70 લાખ રૂપિયા માંગ્યા હતા. આમાં 2૦ લાખ રૂપિયા એડવાન્સ લઇને યુવકને પહેલા ડૉમિનિકા પહોંચાડ્યો હતો, આ પછી યુવકનો અચાનક જ પરિવાર સાથેનો સંપર્ક કપાઇ ગયો હતો. ગઇ 4 ફેબ્રુઆરીથી યુવક ભરતભાઇ દેસાઇનો પરિવારજનો સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. સંપર્ક ના થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, યુવકે ગૃપમાં એક એજન્ટ મારફતે એક સાથે અમેરિકા જવાના રવાના થયો હતો, જોકે, બાદમાં યુવકને ડૉમિનિકા મોકલીને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. હાલ પ્રાંતિજ પોલીસે પત્નીની ફરિયાદના આધારે એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.