Gujarat: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયાસે લાગી ગયુ છે, કોંગ્રેસ નેતાઓ જુદીજુદી પડતર માંગો અને પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસો તેજ કર્યા છે. હાલમાં ગુજરાત કિસાન કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખ્યો છે, અને આ પત્રમાં ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનો ઉછાવ્યો છે.

 

ખાસ વાત છે કે, ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં પાકવીમાં યોજના તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. વર્ષ 2020-21 નું 12 થી 15 લાખ ખેડૂતોનું બાકી વીમા પ્રીમિયમ પરત ચૂકવવા પત્રમાં માંગ કરાઇ છે. ગુજરાત કિસાન કોંગ્રેસનું કહેવું છે કે, અંદાજે 120થી 150 કરોડનું પાકવીમા પ્રીમિયમ ખેડૂતોને હજુ સુધી પરત ચૂકવાયું નથી. ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં ખેડૂતોને પાકવીમાં પ્રીમિયમ હજુ સુધી પરત મળ્યું નથી. પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ થઈ ગઈ પણ ખેડૂતો પાસેથી ઉઘરાવેલું પ્રીમિયમ હજુ ખેડૂતોને પરત મળ્યું નથી. વર્ષ 2020-21થી આજ સુધી પાકવીમાં યોજના બંધ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર કાગળ પર જ હોવાનો કિસાન કોંગ્રેસનો દાવો છે. ત્રણ વર્ષમાં 7 વખત કમોસમી વરસાદ, 2 વખત અતિવૃષ્ટિ, 1 વખત દુષ્કાળ છતાં ખેડૂતોને રાતી પાઇ પણ ન મળી. યોજના કાગળ પર ચલાવવાની જગ્યાએ બંધ કરી નવી પાકવીમાં યોજના ચાલુ કરવી જોઈએ.

 

ગુજરાત કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાનો પત્ર - 

 

મહોદયશ્રી,

જય કિસાન સાથ જણાવવાનું કે વર્ષ 2015-16 થી અમલમાં આવેલી પ્રધાનમંત્રી પાકવિમાં યોજના 20 ઓગસ્ટ 2020 ના દિવસે રદ્દ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી પાકવીમાં યોજના રદ્દ કરતા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એકરાર કર્યો હતો કે ""ખાનગી પાકવીમા કંપનીઓ અમારા કંટ્રોલમાં રહેતી નથી એટલે અમે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના રદ્દ કરી નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં લાવીએ છીએ જેમાં ખેડૂતોએ એક રૂપિયો પણ પ્રીમિયમ આપ્યા વગર પાક વિમાનું કવચ મેળવી શકશે""

 

     20 ઓગસ્ટ 2020 ના દિવસે અમલમાં આવેલી ""મુખ્યમંત્રી કિસાન સહાય યોજના"" શું છે તે સમજાવવા રાજ્ય સરકારે દરેક તાલુકા મથકે મેળાવડાઓ કરી આ યોજનાનો પ્રચાર પ્રસાર કર્યો હતો અંદાજે 50 કરોડ કરતા વધારે ખર્ચ આ યોજનાના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવ્યો હતો તેમ છતાં દુઃખની વાત એ છે કે  મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માં કમોસમી વરસાદ, દુષ્કાળ અને અતિવૃષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 7 વખત કમોસમી વરસાદ પડ્યો 2 વખત અતિવૃષ્ટિ થઈ અને એક વર્ષ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત એક રૂપિયો પણ વળતર આપ્યું નથી જ્યારે યોજનક અમલમાં હોય, યોજનામાં વ્યાખ્યાયિત થયેલી ઘટનાઓ બનતી હોય તેમ છતાં જો સરકાર એક રૂપિયો પણ એ યોજના મુજબ સહાય ન આપે તો યોજનાનો મતલબ રહેતો નથી એટલે સરકાર તાત્કાલિક પાકવીમાં યોજના બાબતે વિચારણા કરી અમલ કરવો જોઈએ.

 

      ચાલુ વર્ષે ચોમાસુ બેસવાની તૈયારી છે ખેડૂતોએ ઉપડેલા ધિરાણનું અત્યારે નવા જૂનું કરી રહ્યા છે ત્યારે જ સરકારે ખેડૂતોને પાકવીમાં રૂપી કવચ આપવું હોય  તો યોગ્ય સમય છે અને છેલ્લા 7 વર્ષોમાં જે રીતે વાતાવરણમાં કુદરતી ફેરફારો આવ્યા છે એ જોતાં ખેડૂતોને રક્ષણ આપવા માટે પાકવીમાંરૂપી કવચ આપવું ખૂબ જ જરૂરી છે.

 

      પાક વીમા રૂપી કવચ ખેડૂતોને હોય તો આપતિના સમયમાં ખેડૂતોને પોતાના પાકમાં થયેલ નુકશાન સામે પાકવીમો મળી રહે અને સરકારને પણ ભારણ ઓછું થાય બન્ને રીતે પાકવીમાં યોજના અમલમાં લાવવી જરૂરી છે ત્યારે રાજ્ય સરકાર પોતાની જ (સરકારી પાક વીમા કંપની) કમ્પની દ્વારા ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈ આપતિના સમયે ખેડૂતોને પાકવિમો મળી રહે તેવી યોજના અમલમાં લાવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માગણી છે.

 

      મહોદયશ્રી 20 ઓગસ્ટ 2020 ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારે અચાનક જ પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી ત્યારે સરકાર દ્વારા  અગાઉથી કોઈ બેન્ક, સહકારી મંડળી કે ખેડૂતોને આ બાબતે જાણ કરવામાં આવી નહોતી જેના કારણે ગુજરાતમાં લગભગ 12 થી 15 લાખ જેટલા પાકવિમો લેતા ખેડૂતોએ સરેરાશ 10,000 જેટલું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધું હતું સરકારે જાણી જોઈને 20 ઓગસ્ટ 2020 ના દિવસે આ યોજના બંધ કરી કારણ કે 31 જુલાઈ 2020 સુધીમાં બેન્કોએ ખેડૂતો પાસેથી પાકવીમાં પ્રીમિયમ વસુલ કરી જે તે પાકવીમાં કંપનીઓને/ સરકારને આપી દેવાનું હોય છે જ્યારે સરકારે પાકવીમાં યોજના બંધ કરી ત્યારે તો ગુજરાતની બેન્કોએ ખેડૂતો પાસેથી અંદાજે પ્રીમિયમ પેટે 120 થી 150 કરોડ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી લીધી હતી. 31 જુલાઇ સુધીમાં પ્રીમિયમની રકમ ઉઘરાવાઈ ગઈ ને 20 ઓગસ્ટ ના દિવસે યોજના બંધ કરી તો આ રકમ તો ખેડૂતોને પરત મળવી જ જોઈએ પરંતુ ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ સુધી આ રકમ ખેડૂતોને પરત કરવામાં આવી નથી કે ખેડૂતોને તેમનું વ્યાજ પણ આપવામાં આવ્યું નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક પાકવીમાં યોજના અમલમાં લાવો અને ખેડૂતોના 2020 - 21 નું ઉઘરાવેલું પ્રીમિયમ છે તે તાત્કાલિક અસરથી પરત અપાવો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માગણી છે.