Gujarat high alert: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તાત્કાલિક ધોરણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરો સહિત સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે તમામ અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાના આદેશ આપ્યા છે. સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તો JCP થી PI કક્ષાના તમામ અધિકારીઓને સ્વયં પેટ્રોલિંગમાં જોડાવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, બનાસકાંઠામાં ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારાઈ છે અને અંબાજી જેવા ધાર્મિક સ્થળો પર પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે.
અમદાવાદ અને સુરતમાં પોલીસ કમિશનરની તાત્કાલિક કાર્યવાહી
દિલ્હીની ઘટના બાદ ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, દિલ્હીના હુમલાને પગલે અમદાવાદ શહેર પણ હાઇ એલર્ટ પર છે. તેમણે શહેરના તમામ પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવા માટે સૂચના આપી છે અને ખાતરી આપી છે કે શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
સુરતમાં પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક અસરથી શહેરભરમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે JCP, DCP, ACP અને PI કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્વયં પેટ્રોલિંગમાં જોડાવા માટેની સૂચના આપી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની ટીમોને પણ વિશેષ સક્રિયતા જાળવવાનો નિર્દેશ અપાયો છે. જાહેર સ્થળો, બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સુરત પોલીસે નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે.
વડોદરામાં ભીડભાડવાળા સ્થળો પર બંદોબસ્ત
વડોદરા શહેર પોલીસે પણ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટની ઘટના બાદ સુરક્ષા વધારી દીધી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, દિલ્હીની ઘટના બાદ વડોદરા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મોલ સહિતના તમામ ભીડભાડવાળા સ્થળો પર પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સરહદી જિલ્લાઓમાં ચેકપોસ્ટો પર સુરક્ષા કડક
સરહદી જિલ્લાઓ, જે સંવેદનશીલ ગણાય છે, ત્યાં પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) એ જણાવ્યું કે, દિલ્હી બ્લાસ્ટને લઈને બનાસકાંઠાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચેકપોસ્ટો પર આવતી-જતી તમામ શંકાસ્પદ ગાડીઓની સઘન તપાસ કરવાના આદેશો અપાયા છે. આ ઉપરાંત, અંબાજી મંદિર જેવા સંવેદનશીલ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.