રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 21 અને 22 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 21 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર અને સંઘ પ્રદેશ દિવમાં,, જ્યારે 22 એપ્રિલે ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


ગુજરાતમાં ગરમીમાં વધારો


રાજ્યમાં અગન વરસાવતી ગરમીની મોસમ જામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદમાં વધતી ગરમીને લઇ મુખ્ય રસ્તાઓ ખાલીખમ ભાસી રહ્યા છે.


તો આ તરફ રાજ્યમાં હજુ પણ એક દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. સાથે સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યના કેટલાક શહેરોમાં આગામી એક દિવસ ગરમ પવન ફુકાઈ શકે છે.


રવિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના તાપમાનની વાત કરીએ તો 42.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ હતી. તો અમદાવાદમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. સુરેંદ્રનગરમાં રવિવારે ગરમીનો પારો 42.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.


ભાવનગર અને કંડલા એયરપોર્ટ પર રવિવારે ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ડીસા અને વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 39.4 ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 39.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.