ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં 1000થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે.






ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા જોઇએ. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.


રાજ્યમાં વધ્યો કોરોના


રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં  સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.


 


ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ૧૦ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૫૦૦ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી જ નવા ૫૫૯ કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાંથી છે. સુરત શહેરમાંથી ૧૫૬-ગ્રામ્યમાંથી ૮ સાથે ૧૬૪, વડોદરા શહેરમાંથી ૬૧-ગ્રામ્યમાંથી ૬ સાથે ૬૭, રાજકોટ શહેરમાંથી ૪૧-ગ્રામ્યમાંથી ૨૦ સાથે ૬૧, આણંદ-ખેડામાંથી ૩૯, ગાંધીનગર શહેરમાંથી ૧૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૨૬, કચ્છમાંથી ૨૨, વલસાડમાંથી ૨૧, નવસારીમાંથી ૯, મોરબીમાંથી ૮, ભરૃચમાંથી ૭, જુનાગઢ શહેરમાંથી ૪-ગ્રામ્યમાંથી ૩ સાથે ૭, જામનગર શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૭, દાહોદ-સાબરકાંઠામાંથી ૬, અમરેલી-ભાવનગર શહેરમાંથી ૪, ગીર સોમનાથ-મહેસાણામાંથી ૩, તાપી-મહીસાગરમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૨૫ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.