• સાયબર ફ્રોડ સામે ગુજરાત પોલીસે લીધેલા ત્વરિત પગલાંની કેબિનેટમાં નોંધ લેવાઈ અને પ્રશંસા કરવામાં આવી.
  • છેલ્લા ત્રણ મહિનામાં ફ્રોડ થયેલા નાણાં 'ફ્રીઝ' (અટકાવવા) કરવામાં 50% નો સીધો વધારો નોંધાયો.
  • ભાડે લેવાયેલા બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) વિરુદ્ધ પોલીસે કડક વલણ દાખવી 450 ફરિયાદો નોંધી છે.
  • આવા ભાડાના એકાઉન્ટનો ઉપયોગ માત્ર સાયબર ઠગાઈમાં જ નહીં, પણ GST ચોરીમાં પણ થતો હોવાનું ખૂલ્યું છે.
  • લાલચમાં આવીને તમારું બેંક એકાઉન્ટ કે KYC દસ્તાવેજો અન્ય કોઈને વાપરવા આપશો નહીં.

Jitu Vaghani statement: ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની સાપ્તાહિક કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ગુજરાત પોલીસ (Gujarat Police) ની કામગીરીની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા સાયબર ફ્રોડ (Cyber Fraud) ના કેસો સામે પોલીસ વિભાગે જે ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે, તેની સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Continues below advertisement

નાણાં રિકવરીમાં મોટી સફળતા 

સરકારે સાયબર ક્રાઈમ અટકાવવા માટે શરૂ કરેલી '1930 હેલ્પલાઈન' અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. મંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં 'ફ્રીઝ' (હોલ્ડ) કરવાના કેસોમાં સીધો 50 ટકાનો વધારો નોંધાયો છે. આ વ્યવસ્થા હેઠળ, જો કોઈ નાગરિક સાથે ઓનલાઈન છેતરપિંડી થાય અને તે તાત્કાલિક 1930 નંબર પર જાણ કરે, તો ફ્રોડ કરનારનું એકાઉન્ટ ત્વરિત ફ્રીઝ કરી દેવામાં આવે છે, જેથી નાણાં બચાવી શકાય છે.

Continues below advertisement

'મ્યુલ એકાઉન્ટ'નો નવો ટ્રેન્ડ અને લાલ બત્તી 

કેબિનેટમાં 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) ના વધી રહેલા દૂષણ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઠગબાજો હવે સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા છે. પોલીસે આવા મ્યુલ એકાઉન્ટને લગતી 450 જેટલી ફરિયાદો નોંધી છે. જીએસટી (GST) ચોરી અને કૌભાંડોમાં પણ આવા જ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

આથી, રાજ્ય સરકારે નાગરિકોને એક ખાસ અપીલ કરી છે. લોકોએ લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ કે KYC દસ્તાવેજો અન્ય કોઈ વ્યક્તિને ભાડે કે વાપરવા આપવા જોઈએ નહીં, નહીંતર તેઓ મોટી મુસીબતમાં મુકાઈ શકે છે. બેઠકના અંતે આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ ની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.