Banaskantha: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં કંઇક નવા જુનીના એંધાણ દેખાઇ રહ્યાં સંકેત મળી રહ્યાં છે. હાલમાં એક વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું છે, ખરેખરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી એકસાથે જોવા મળ્યાં છે, બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 
 
હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન બન્ને એક જ ગાડીમાંથી નીચે ઉતરતા દેખાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આગામી સમયમાં ભાજપમા જોડાશે એવી ચર્ચાઓ વચ્ચે હવે શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરનો એકસાથેના વીડિયોથી રાજકારણ ગરમાયુ છે. ગેનીબેનના ભાજપની નજીક જવાની વાતો સામે આવી છે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર અનેકવાર ભાજપના વખાણ કરી ચૂક્યા છે.


ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જવાના છે, આ પહેલા વાયરલ થયેલા આ વીડિયોથી અનેક પ્રકારના રાજકીય તર્ક-વિતર્કો ઉભા થયા છે. ગેનીબેનના વિરોધીઓએ એવી પણ વાત વહેતી કરી છે કે ગેનીબેન પણ હવે ભાજપમાં જોડાઇ શકે છે. વાયરલ થયેલા આ વીડિયો અંગે કહેવાઇ રહ્યું છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોઈક કાર્યક્રમમાં છે. 


 


ગેનીબેન ઠાકોરે ભાજપનાં કર્યાં ભરપૂર વખાણ, કોંગ્રેસના ક્યા નેતાઓ પર જાહેરમાં જ કર્યા આકરા પ્રહાર ?


કાંકરેજના ચાંગામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બળાપો કાઢ્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા.


શું કહ્યું ગનીબેન ઠાકોરે


ગેનીબેને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું, ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલી નાંખે. આખું મંત્રીમંડળ બદલી નાખે અને જેની ટિકિટ કાપી હોય તોય કોઈ ના બોલે. આપણા કોંગ્રેસમાં કંઈ જ વધ્યું નથી તોય ખબર નથી રોજ શેના ભાગ પાડવાના રહી ગયા. મને 1.2 લાખ મત મળ્યા એમાંથી 2000 જ પાંચ વર્ષ દરમિયાન લોહી પીવાના. ટિકિટ કોન્ટ્રાક્ટ પૈસા અને ગાડી એકે ત્યાં હાજર થવાનું, આ બધું બે હજાર વાળા ને જ જોઈએ બાકીના એક લાખ મતદારો તો કંઈ બોલતા જ નથી.