Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.


ગુજરાતમાં વધુ 25 લોકોએ વરસાદના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે સોમવારથી ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા.


નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), આર્મી, ઈન્ડિયન એર ફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી રાજ્યમાં પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી.


બુધવારે, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 50 મીમીથી 200 મીમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 185 મીમી વરસાદ નોંધાયો હતો જે રાજ્યમાં સૌથી વધુ છે.


વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરની સ્થિતિને જોતા વડોદરામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ત્રણ કોલમોને તૈનાત કરવામાં આવી છે.  પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.  એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે, આર્મી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા હતા, જેમાં લગભગ 17,800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અન્ય 2,000 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ચોમાસામાં અત્યાર સુધીમાં 41,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.


ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. જિલ્લા કલેક્ટરે મોરબીમાં ચાર અને રાજકોટ જિલ્લામાં બે મૃત્યુ નોંધ્યા છે.મંગળવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં આણંદ જિલ્લાના ખડોધી ગામમાં ત્રણ, મહીસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદના ઢીંગરા ગામ અને સાણંદમાં બે તેમજ ખેડાના ચિત્રાસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું.


જ્યારે ભરૂચના પીલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ ગામ, પંચમહાલના હાલોલ તેમજ અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરના મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે.