ગાંધીનગર: ગુજરાતમાં હજુ કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે ભરઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ બે દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.. દરિયાઈ વિસ્તારમાં મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે.
અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. આગામી સમયની અંદર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં વધુ એક વાર મુશ્કેલી વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અમરેલીના ધારીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઢડામાં દોઢ ઇંચ, બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વલ્લભીપુર, ઉમરગા, વિલિયા, ખાંભા, અંજારમાં પા-પા ઇંચ વરસાદ પડ્યો છે.
વલસાડમાં ભારે વરસાદ
વલસાડ શહેરના તિથલ રોડ કચેરી રોડ તિથલ વિસ્તાર કોલેજ કેમ્પસ વિસ્તાર મોટા બજાર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉનાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ છે. અચાનક વરસાદને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ પડવાને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હાલ ખેડૂતો કેરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.
સમગ્ર દેશનું વાતાવરણ
સોમવારે સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ખૂબ જ ખુશનુમા રહી હતી. વરસાદના ઝાપટાથી દિવસની આકરી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે હવામાનને લઈને કરાયેલી આગાહી પણ રાહત આપનારી છે. હવામાન વિભાગે મંગળવારે (2 મે) સમગ્ર દેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વિભાગે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનને લઈને રાહતની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની અથવા સામાન્ય રહેવાની સંભાવના છે