Gujarat Rain: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ દરમિયાન, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને પગલે રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટીતંત્રને સંપૂર્ણપણે સતર્ક રહેવા અને ૨૪x૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના આપી છે.
હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગુરુવારે (૨૨ મે) જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી દિવસોની આગાહી:
- ૨૩ થી ૨૫ મે (શુક્રવારથી રવિવાર): રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- ૨૬ મે (સોમવાર): આ દિવસે વરસાદનો વ્યાપ વધવાની શક્યતા છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ (કુલ ૧૫ જિલ્લા)માં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૫૦ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની પણ સંભાવના છે.
- ૨૭ મે (મંગળવાર): દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ હેઠળ ભારે વરસાદની આગાહી છે.
- ૨૮ મે (બુધવાર): દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવતું યલો એલર્ટ જાહેર કરાયું છે.
ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવા કડક સૂચનાઓ આપી છે. યલો એલર્ટ જાહેર કરાયેલા તમામ જિલ્લાઓમાં ૨૪x૭ કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવા પણ આદેશ આપ્યો છે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળી શકાય.
હાલ સમગ્ર દેશમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી અને દક્ષિણ ગુજરાત નજીક ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ્સ સક્રિય હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે, જે આ અસાધારણ વરસાદી માહોલ માટે જવાબદાર છે.