Ambalal Patel: જો તમે કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છો, તો તમારા માટે સારા સમાચાર છે! ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને આગામી 2 દિવસ સુધી મેઘરાજા હજુ પણ તોફાની બેટિંગ કરવાના મૂડમાં છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી વેધર સિસ્ટમ - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થઈ ગઈ છે. જેના કારણે હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, બંનેએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી મુજબ, સક્રિય સિસ્ટમ્સની અસર હેઠળ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. આજે 11 ઓગસ્ટે રાજ્યના 3 જિલ્લાઓ - મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, જેના પગલે ત્યાં 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ સહિત કુલ 6 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા જોતા 'યલો એલર્ટ' અપાયું છે.

Continues below advertisement

આવતીકાલની વાત કરીએ તો, 12 ઓગસ્ટના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ એમ 5 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી સાથે 'યલો એલર્ટ' ચાલુ રાખવામાં આવ્યું છે. વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 3 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હજુ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે, કારણ કે ત્યાં સામાન્ય કરતા 21 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાની મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પંચમહાલ પંથકના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે અને ત્યાં 3 થી 4 ઈંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરનું કેવું રહેશે હવામાન?

અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિકો માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં આ બંને શહેરોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે આવનારા 48 કલાકની અંદર અમદાવાદ અને ગાંધીનગરમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ આ બંને મેગાસિટીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર