NAVSARI : પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગુજરાત સરકારે નવસારી જિલ્લા માટે રાહતની જાહેરાતો કરી છે જે આ મૂજબ  છે : 


1) નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે. 


2)નવસારી જિલ્લામાં આજે પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ.


3)અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1513 નાગરિકોના રેસ્ક્યુ કરી જીવ બચાવાયા.


4) આશ્રયસ્થાનોમાંથી 48,106 નાગરિકો સ્વગૃહે પરત, 9306 નાગરિકો આશરો લઇ રહ્યા છે


આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નથી
રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદે આજે દિવસ દરમિયાન વિરામ લીધો છે અને આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નથી. પોરબંદર, જુનાગઢ, વલસાડ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. 


નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતી આપતા મંત્રી રાજેન્દ્ર  ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે, નવસારી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો છે ત્યારે અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ  વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં પશુદીઠ 4 કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે જેનું વિતરણ આજથી શરૂ થઈ જશે. નવસારી જિલ્લામાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.


નવસારીમાં સ્થાનિક તંત્ર ખડેપગે 
મંત્રી રાજેન્દ્ર  ત્રિવેદીએ  ઉમેર્યુ કે, રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં 57408 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા, તે પૈકી 48102 નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે 9306  નાગરિકોને હજુ પણ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે, તેમને પોષ્ટિક ભોજન સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ સ્થાનિકતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. 


NDRF-SDRFના જવાનોની પ્રશંસનીય કામગીરી 
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં તા.7મી જુલાઈથી અત્યાર સુધીમાં 56 માનવ મૃત્યુ નોંધાયા છે અને 748 જેટલા પશુઓના મોત થયા છે. વરસાદના વહેતા પાણીના વહેણા સહિત અન્ય જગ્યાએ ફસાયેલા 1513 જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સાથે સંકલનમાં રહીને વહીવટી તંત્ર દ્વારા બચાવી લેવાયા છે. NDRF-SDRFના જવાનોએ કાબેલિયત જિંદાદિલી અને શૌર્યતાથી નાગરિકોના જીવ બચાવ્યા છે.