Gujarat Rain News: રાજ્યમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ઠેર ઠેર મોટા નુકસાનીના સમાચાર સામે આવ્યા હતા, રાજ્યના તમામ તાલુકાઓમાં માવઠાએ ભારે તબાહી મચાવી દીધી હતી. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારોમાં માવઠાથી રવિવાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ, આ નુકસાની બાદ સરકારા સામે વિવિધ ખેડૂત સંગઠનો અને રાજકીય નેતાઓએ પાક નુકસાની માટે માંગ કરી હતી, જે પછી હવે સરકારે પાક નુકસાની સર્વેની કામગીરી શરૂ કરી છે, અત્યારે પાક નુકસાની સર્વે બનાસકાંઠામાં શરૂ થયો છે.  


ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાન અંગે હવે બનાસકાંઠા જિલ્લામાં સરકાર સર્વે કરાવી રહી છે, ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ બનાસકાંઠામાં સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. ખાસ વાત છે કે, માવઠાથી જિલ્લામાં સૌથી વધુ અને મોટુ નુકસાન એરંડાના પાકને પહોંચ્યુ હતુ. અત્યારે જિલ્લાના પાલનપુર, કાંકરેજ, દિયોદર અને ભાભરમાં પાકા સર્વે શરૂ થયા છે. આની સાથે સાથે થરાદ, દાંતા, સૂઇગામમાં પણ ટીમો સાથે ગ્રામસેવકો અને તલાટી સર્વે કરશે. ખેતીવાડી અને બાગાયતી પાકોમાં સ્થાનિક ગ્રામસેવકો અને તલાટીઓ નુકસાનીનો તાગ મેળવશે.


કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ


કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ય એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ  રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે.  કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઝાકળવર્ષાને લઈ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો અને ઘણી જગ્યાએ આહલાદક નજારો જોવા મળ્યો હતો. રાજ્યમાં પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.


ખેડૂતો માવઠાનો માર સહન કરવા ફરી રહો તૈયાર


હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. ગુરૂવાર અને શુક્રવારે રાજ્યમાં માવઠું વરસી શકે છે. દ. ગુજરાતના સુરત,નવસારી, ડાંગ,તાપીમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છેય સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી છે. માવઠાની સાથે ઠંડીનું પણ જોર વધશે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હજુ માવઠું પીછો નહીં છોડે. કરા સાથે માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 2થી 4 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવશે. પશ્ચિમી વિક્ષેપોની વૈશ્વિક અસરો પણ થાય છે. તેમણે 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 થી 16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે. 19થી 22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.