Gujarat Rain: નવરાત્રી પુર્ણ થયા બાદ હવે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ફરીથી વરસાદી માહોલ (Rain) છવાઈ ગયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં વાતાવરણ બદલાયું હતું અને દિવસ દરમિયાન આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં. ત્યારે સાંજ પડતાં જ ઘણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો. વડોદરા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે. 


વડોદરા શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ


વડોદરા શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને સવારથી જ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા હતું. ત્યાર બાદ સમી સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાવપુરા, નિઝામપુરા, છાણી, સમાં, સમતા, ગોરવા, હરણી, ફતેહગંજ, સયાજીગંજમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ વરસાદના અમી છાંટણા પડ્યા હતા અને સાંજે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ વડોદરા ગ્રામ્યમાં પણ વાઘોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.


મગફળી અને કપાસના પાકમાં નુકસાનની ભીતિઃ


સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ વરસ્યો હતો. તલોદના ગ્રામ્ય પંથક સલાટપુર, જવાનપુર, તોરણિયા, ખેરોલ અને વક્તાપુર પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે અને આ વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે.


બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પોપટપુરા, ભમૈયા, ઓરવાડા, કેવડીયા,વાવડી બુઝર્ગ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો. સવારથી રહેલા વાદળ છાયા વાતાવરણ બાદ પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી.


7 અને 8 ઓક્ટોબરે વરસાદની આગાહી


રાજ્યમાં આગામી 7 અને 8 ઓક્ટોબરે દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  લઘુતમ તાપમાન નીચુ અને મહત્તમ તાપમાન ઊંચું હોવાથી લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.  ભાવનગર આસપાસ બે દિવસ માવઠું પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.