Gujarat Monsoon: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તેવી કરવામાં આવેલી આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. ધનસુરા, બાયડમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.


આ વર્ષે ઓગષ્ટમાં 85 ટકા ઓછો વરસાદ


અગાઉના વર્ષોની તુલનાએ આ વર્ષે ઓગષ્ટમાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી પાંચ દિવસ ઝરમર વરસાદનું અનુમાન છે. ઓગષ્ટમાં 85 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.રાજ્યમાં 5 દિવસ ઝરમર વરસાદનું અનુમાન છે.રાજ્યમાં ઓગ્સ્ટ મહિનો લગભગ વરસાદ વગરનો રહ્યો છે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જોકે, રાજ્યના બાકીના ભાગોમાં સામાન્ય માણસો અને ખેડૂતો દ્વારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી.  હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.


દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, 29 તારીખ પછી અહીં પણ વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે. આ પછી નવસારી, વલસાડ, તાપી અને દમણમાં હળવો વરસાદ રહી શકે છે.





હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી લગભગ સમગ્ર ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ બનવાનું અનુમાન કરવામાં આવ્યું નથી જેના કારણે રાજ્યમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે હમણાં રાજ્યમાં વરસાદ માટે રાહ જોવી પડશે. ઓગસ્ટ કોરો ગયો પણ જો સપ્ટેમ્બરમાં વરસાદ નહીં થાય તો પાણીની ભયંકર તંગી સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.




બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે રાજ્યને ધમરોળવાનું શરૂ કર્યું હતું અને કાયમ કોરા ધાકોર રહેતા કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જી નાંખી હતી. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સદી ફટકારી હતી. સૌરાષ્ટ્રમાં ગઈકાલ સુધીમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.30 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખોટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતમાં 67.71 અને મધ્ય ગુજરાતમાં 65.95 ટકા જ વરસાદ થયો છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે.