રાજકોટ:  જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને પાટણવાવ ઓસમ ડુંગર પર અનેક સહેલાણીઓ કુદરતી વાતાવરણમાં પરિવાર સાથે પહોંચ્યા હતા. જો કે, વરસાદ વધવાને કારણે કેટલાક લોકો અહીં ફસાઈ ગયા હતા. ‌ભારે વરસાદને કારણે ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓની જિંદગી બચાવવામાં આવી છે.


 






ધોરાજી તાલુકાના પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી.


ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી ઉ.24 અને ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી ઉંમર વર્ષ 20 તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ઉંમર વર્ષ 23 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા.  ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. જે બાદ તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોકત તમામને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.


રાજકોટના આ ડેમના ગમે ત્યારે ખોલવા પડી શકે છે દરવાજા


રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 % ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ-૨ ડેમ ભારે વરસાદને કારણે 80 %  ભરાઈ ગયો છે. ડેમમાં હાલ  6.37 વાગ્યે 16666 કયુસેક પ્રવાહની આવક ચાલું છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21,પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે.


ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.


તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ,આટકોટ, વિરનગર, લીલાપુર, પોલરપર, કોઠી, જીવાપર, પાંચવડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદના કારણે ખારી નદીનો કોઝવે બંધ થયો છે. ભારે વરસાદના કારણે પાંચ ગામોનો સંપર્ક તુટ્યો છે. ચિતલીયા, લાખાવડ ,કોઠી શાંતિનગર, કનેસરા ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જસદણ શહેરના ચિતલીયા રોડ, નવાબસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તળાવ અને ચેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. વરસાદના કારણે કપાસ, મગફળી સહિત પાકને જીવતદાન મળ્યું છે.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial