હાલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં રવિવારે સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં 6 ઈંચ, હારીજમાં 6 ઈંચ, પાટણ શહેરમાં સાડા પાંચ ઈંચ, સિદ્ધપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા અને શંખેશ્વરમાં ચાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.


પાટણમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ચિત્રકુટ સોસાયટીમાં લોકોના ઘરમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતાં તો શહેરના કોલેજ રોડ પર આવેલો અંડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદના પગલે આનંદ સરોવર ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. ગુગળી સર્કલ પાસે કેડસમા પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી પડી રહી હતી.

પાટણ શહેરમાં ભારે વરસાદના પગલે હિંગળાચાચર બજાર પાસે આવેલી ચિત્રા ખડકીમાં એક ત્રણ માળનું મકાન ધરાશયી થયું હતું. મકાન બંધ હાલતમાં હોય જાનહાનિ થતાં ટળી હતી. જિલ્લાના સરસ્વતી તાલુકામાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો. ડીસા હાઈવે પર આવેલા ગોગા મહારાજના મંદિર પાસે ઢીંચણસમા પાણી ભરાયા હતાં.

સાંબેલાધાર વરસાદના કારણે સરસ્વતી તાલુકાના મોટા નાયતાનું તળાવ ઓવરફ્લો થયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો રાધનપુર તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રેફરલ હોસ્પિટલ પરિસરમાં તો પાણી ભરાયા હતાં પણ સાથે દર્દીઓના બેડ સુધી પણ વરસાદી પાણી પહોંચતા દર્દી અને હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલી વધી ગઈ હતી.

મોઢેરા નજીક પુષ્પાવતી નદીમાં ઘોડાપૂર આવતાં ચાણસ્મા-પાટણને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. શંખેશ્વરમાં ગતરાત્રિથી શરૂ થયેલો ધોધમાર વરસાદ આજે પણ યથાવત રહ્યો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.