Gujarat Monsoon 2022: સૌરાષ્ટ્રમાં અઠવાડિયા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલી અને ભાવનગરમાં વરસાદથી ધરતીપુત્રોમાં હરખની હેલી છે. ભાવનગર શહેરમાં એક અઠવાડિયા ના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈ શહેર વિસ્તારમાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું. વરસાદ વરસતા જ શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. હાલ કાળા ડિબાગ વાદળો સાથે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.


અમરેલી, વડોદરામાં વરસાદ


અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રાજુલાના ડુંગરના સાજણવાવ, ડુંગર પરડા, રાભડા સહિત ના ગામોમાં વરસાદ છે. સારા વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે.


વડોદરા શહેરમાં  ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ શહેર કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. સયાજીગંજ, રાવપુરા, રાજમહેલ રોડ, ફતેહગંજ, કારેલીબાગમાં વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદી ઝાપટાથી ઉકળાટ માં રાહત મળી છે. વડોદરામાં ઘણા વિરામ બાદ આજે બપોરે બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.




લાંબા દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ગરમી બાદ કપરાડામાં વરસાદ પડ્યો છે. કપરાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 


ગુજરાતમાં ફરી જામશે ચોમાસું, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવા લાગ્યા છે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જમાવ્યા પ્રમાણે 6 તારીખ પછી વરસાદનું જોર વધશે.