Gujarat rains 2024: ભારત હવામાન વિભાગ (IMD)એ 30 ઓગસ્ટ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી ત્યારે આપવામાં આવી જ્યારે છેલ્લા છ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના ઘણા જળસંચય વિસ્તારો અને પડોશી વિસ્તારોમાં હળવાથી મધ્યમ પૂરના જોખમનો સંકેત મળ્યો. IMDએ જણાવ્યું કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં અચાનક પૂરનું જોખમ છે.


હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમ પૂરનું જોખમ હોઈ શકે છે. આ દરમિયાન, ભારે વરસાદને કારણે પહેલેથી જ પૂરેપૂરી ભીની માટી અને નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવો અને સપાટી પર પાણીના વહેણની સંભાવના બની રહી છે.


અચાનક પૂર ત્યારે આવે છે જ્યારે ઓછા સમયમાં ભારે માત્રામાં વરસાદ પડે છે, જેનાથી નદીઓ, નાળાઓ અને જળસંચય વિસ્તારોમાં પાણી ઝડપથી વધી જાય છે. આવા સમયે જળ ભરાવો અને પાણીનું ઝડપી વહેણ થઈ શકે છે, જેનાથી જાન માલને નુકસાનનું જોખમ રહે છે.






IMDની ચેતવણી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર અને રહેવાસીઓએ સતર્ક રહેવું પડશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને જળ ભરાવો વાળા ક્ષેત્રોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા કોઈપણ નિર્દેશનું પાલન કરવું જોઈએ. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે IMD દ્વારા જારી કરવામાં આવેલી આ ચેતવણી ગંભીર છે, અને સ્થાનિક લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.


અંબાલાલ પટેલની આગાહી


પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં આગામી દિવસોમાં આવનાર તોફાની હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં કચ્છના વિસ્તારમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન 30 તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ પરિસ્થિતિમાં 80થી 104 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, તેમણે એવું પણ જણાવ્યું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.


સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. આ કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં, ભારે પવનના કારણે કપાસના પાકો અને બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે.


પટેલે સ્પષ્ટ કર્યું કે આ તોફાન સીધી રીતે ગુજરાતને અસર નહીં કરે, પરંતુ ભારે પવન નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ઉમેર્યું કે આ વખતે જમીનના ભાગોમાં ડિપ ડિપ્રેશન બન્યું છે, જે સામાન્ય રીતે લો પ્રેશર સર્જાયા બાદ ચક્રવાતમાં પરિવર્તિત થાય છે.


આ પણ વાંચોઃ


Rain Alert: રાજ્ય પરથી હજુ ખતરો ટળ્યો નથી, ત્રણ સિસ્ટમ સક્રિય છે, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ