Gujarat Rains : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જળાશયોમાં નવા નીર આવ્યાં છે, તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.  તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા તાપી ડેમમાં 12 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 


તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
તાપી જિલ્લામાં આજે 15 ઓગષ્ટના દિવસે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના પંચાયત હસ્તક ના 7 રસ્તા બંધ થઇ ગયા છે. વ્યારા તાલુકાના 5 અને ડોલવણ તાલુકાના 2 રસ્તા બંધ હાલતમાં છે. 


તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જિલ્લા માંથી પસાર થતી પૂર્ણાં, અંબિકા, ઝાંખરી, મીંઢોળા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા , ડોલવણ , સોનગઢ સહિતના દરેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. 


તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં નોંધાયો, જેમાં વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો  છે. સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલ વરસાદ ના આંકડા જોઈએ તો વ્યારા 142 mm, વાલોડ 65 mm, ડોલવણ  80 mm, સોનગઢ 70,  mm, ઉચ્છલ  55 mm, નિઝર 49 mm, અને કુકરમુંડામાં 25 mm  વરસાદ નોંધાયો છે. 


ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 22 માંથી 15 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉકાઈ ડેમની સપાટી 335.54 ફૂટ પર પોહચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  સાવચેતીના ભાગરૂપેનીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. 


સુરતના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ 
સુરત જિલ્લાના વાલિયા ,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થતા માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર આવેલો હાઇ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સુરત જિલ્લાના વાલિયા, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઈ નદીમાં પાણીની આવક થઇ છે.