ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. ગુજરાતમાં 1 ઈંચથી લઈ 14 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં ખાબક્યો હતો. જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે મહેસાણાના કડીમાં પણ 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


- જામનગરના જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ
- મહેસાણાના કડીમાં 13 ઈંચ વરસાદ
- મોરબીના ટંકારામાં 11 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ
- મોરબીમાં 10 ઈંચ વરસાદ મીમી
- મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ
- પાટણના સરસ્વતીમાં 8 ઈંચથી વધુ વરસાદ
- કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ
- મહેસાણાના જોટાણામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- સુરેન્દ્રનગરના મુળીમાં 7 ઈંચ વરસાદ
- મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ વરસાદ
- મહેસાણામાં 7 ઈંચ વરસાદ
- કચ્છના ભચાઉમાં 7 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 ઈંચથી વધુ વરસાદ
- પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ



સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને અન્ય જિલ્લાઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતુ જ્યારે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં 1 ઈંચથી લઈ 13 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા જ્યારે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં.

દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા ચોમાસાના પગલે રાજ્યના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.