રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા ચોમાસાના પગલે રાજ્યના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તો 23 ઓગસ્ટ બાદ વધુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાશે. જોકે 26 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ભારે વરસાદના પગલે હાલ રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે મળીને કુલ 138 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હાલ 13 જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત રાખવામા આવી છે.