ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાના આગમનને હજુ દોઢ મહિનો પણ થયો નથી. ત્યાં જ રાજ્યમાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનના 50 ટકા વરસાદ માટે રાજ્યએ ગયા વર્ષે સાત સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે 14 જુલાઈ સુધીમાં સિઝનનો માત્ર 19.72 ઈંચ જ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 17.06 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.


આ પૈકી જૂનમાં 2.52 અને જુલાઈ મહિનાના 14 દિવસમાં 14.53 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં 17.32 ઈંચ સાથે મોસમનો 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. એટલુ જ નહી કચ્છમાં સિઝનનો 94 ટકાથી વધુ વરસાદ તો છેલ્લા 14 દિવસમાં જ વરસી ચુક્યો છે. કચ્છના અબડાસા, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, નખત્રાણા પાંચ તાલુકામાં સિઝનના વરસાદનું પ્રમાણ 100 ટકાથી પણ વધુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ 37.39 ઈંચ સાથે મોસમનો 64 ટકા વરસાદ નોંધાયો છે.


દક્ષિણ ગુજરાતના વલસાડમાં સૌથી વધુ 63 ઈંચ, નવસારીમાં 47 ઈંચ, નર્મદામાં 39 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 14.44 ઈંચ સાથે મોસમનો 51 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ હજુ સામાન્ય છે. ઉત્તર ગુજરાતમાં 7.78 ઈંચ સાથે મોસમનો 27 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 13 ઈંચ સાથે મોસમનો 41 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 19 તાલુકા એવા છે જ્યાં બે થી પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 90 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યના 79 તાલુકામાં દસથી વીસ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો 54 તાલુકામાં 20થી 40 ઈંચ અને 10 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.