Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં ભાજપ વર્ષ 1985માં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના 149 બેઠકો જીતવાના રેકોર્ડને તોડતી જણાય છે. ભાજપ ગુજરાતમાં 158 જેટલી બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી રહી હોવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસ ઐતિહાસિક ખરાબ પ્રદર્શન કરી દયનિય સ્થિતિમાં પહોંચતી દેખાય છે. રાજધાની દિલ્હીથી રાજકીય નેતાઓના ધાડેધાડા ગુજરાતમાં ઉતારનારી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની રેવડી નીતિને પણ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે તો AIMIMના અસદુદ્દીન ઓવેશીની ધર્મ આધારીત રાજનીતિને પણ ગુજરાતીઓએ તિરસ્કારી છે. 


ગુજરાત ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ હાર અને નાલેશીજનક પ્રદર્શનનું ઠીકરૂં આપ અને AIMIM માથે ફોડી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, એ વાત સાચી છે કે ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વોટમાં ઘટાડો થવાનું એક કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી હતા. ખામીઓનું વિશ્લેષણ કરવા માટે અમે ટૂંક સમયમાં બેઠક યોજીશું. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.


કોંગ્રેસની સ્થિતિ અત્યંત ખરાબ


ગુજરાતમાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. જ્યારે કોંગ્રેસ માટે સ્થિતિ ખૂબ જ દયનિય દેખાઈ રહી છે. ગત ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે 20થી પણ ઓછી બેઠકો પર જતી જોવા મળી રહી છે.  AAP અને AIMIMને કોંગ્રેસના વોટ કટવા કહેવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અત્યાર સુધીમાં 12.80 ટકા વોટ મળ્યા છે અને પાર્ટી 5 સીટો જીતવાની સ્થિતિમાં છે. તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની AIMIM કંઈ ખાસ કરી શકી નથી, પરંતુ તેમ છતાં તેને 0.29 ટકા વોટ મળ્યા છે, જે કોંગ્રેસ માટે ક્યાંકને ક્યાંક નુકસાનજનક માનવામાં આવી રહ્યું છે.


"અમે અમારા દમ પર જીત્યા"


જોકે, AAP અને AIMIMના કારણે ભાજપને ફાયદો થશે તેવી ચર્ચાઓને ભાજપના નેતાઓએ ફગાવી દીધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, ભાજપને જે બમ્પર જીત મળી રહી છે તે ગુજરાતમાં થયેલા કામોને કારણે છે. પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઘણો વિકાસ કર્યો છે, તેથી જ જનતાએ ફરી એકવાર ભાજપને પસંદ કર્યો છે. અમે અમારા દમ પર જીતી રહ્યા છીએ.