Gujarat SIR counting update: ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતિમ તબક્કામાં પહોંચી છે. મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ સઘન તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં લાખોની સંખ્યામાં મૃતક, ગેરહાજર અને સ્થળાંતરિત મતદારોના નામ યાદીમાં હોવાનું ખૂલ્યું છે. રાજ્યની 47 વિધાનસભા બેઠકો પર તો વેરિફિકેશનની કામગીરી 100% પૂરી થઈ ગઈ છે, જે તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.
47 બેઠકો પર 100% કામગીરી, રાજ્યમાં 98% થી વધુ કાર્ય પૂર્ણ
ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત CEO કચેરીના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં મતદાર યાદી સુધારણા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2025 ની મતદાર યાદી માટે નોંધાયેલા 5 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે.
પ્રગતિ અહેવાલ: હાલમાં રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 47 બેઠકો પર ગણતરીનું કાર્ય 100% પૂર્ણ થયું છે.
અન્ય બેઠકો: આ ઉપરાંત, 80 જેટલી બેઠકો પર 99% થી વધુ કામગીરી થઈ ચૂકી છે. એકંદરે સમગ્ર રાજ્યમાં 98.19% કામગીરી સંપન્ન થઈ ગઈ છે અને બાકીની પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
તપાસમાં મળ્યા લાખો 'ડુપ્લિકેટ' અને 'મૃતક' મતદારો
ગ્રાઉન્ડ લેવલ પર BLO દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં મતદાર યાદીમાં રહેલી મોટી ક્ષતિઓ અને વધારાના નામોનો પર્દાફાશ થયો છે. આંકડાઓ નીચે મુજબ છે:
મૃતક મતદારો: રાજ્યભરમાં 17.66 લાખથી વધુ એવા મતદારોના નામ મળ્યા છે જેઓનું અવસાન થઈ ચૂક્યું છે.
કાયમી સ્થળાંતર: 36.89 લાખથી વધુ મતદારો પોતાના મૂળ સ્થાનેથી કાયમી ધોરણે અન્યત્ર રહેવા જતા રહ્યા છે.
ગેરહાજર: 8.39 લાખ મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી (Absent).
રિપીટેડ નામ: 3.53 લાખથી વધુ મતદારોના નામ યાદીમાં એકથી વધુ વાર (Repeated) હોવાનું સામે આવ્યું છે.
આ તમામ ક્ષતિઓને સુધારીને એક પારદર્શક યાદી તૈયાર કરવામાં આવશે.
BLO ની મહેનતને બિરદાવતું તંત્ર
મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા અને તેમની ટીમે આ ભગીરથ કાર્યને સમયસર પૂર્ણ કરવા બદલ રાજ્યના તમામ BLO (બૂથ લેવલ ઓફિસર્સ) ની કામગીરીની પ્રશંસા કરી છે. તડકો કે વરસાદ જોયા વિના ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરનાર કર્મચારીઓને જો કોઈ મુશ્કેલી હોય તો સ્થાનિક મામલતદાર કચેરીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.