અમદાવાદ:  સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં  સીસીટીવી અભાવના મામલે થયેલી પિટિશનમાં હાઇકોર્ટમાં સરકારે સોગંદનામું કર્યું છે. જેમાં સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે કે અમદાવાદના 47 પોલીસ સ્ટેશનમાં સીસીટીવીની ગુણવત્તા એક મહિનામાં સુધારાશે અને અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં 15 સીસીટીવી લગાવવામાં આવશે. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં હાલ 8 જેટલા સીસીટીવી કેમેરા છે. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં રાજ્યના 50 ટકા જેટલા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીના ઓડિયો અને વિડીયોની ગુણવત્તા નબળી હોવાનું  બહાર આવ્યું હતું.

જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને ભૂજના ઘણા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ હવે સરકારે આ તમામ જગ્યાઓએ સીસીટીવીના વિડીયો અને ઓડિયોની ગુણવત્તા સુધારવા તેમજ શહેરી વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીની સંખ્યા વધારવા માટે સરકારે હાઇકોર્ટને બાંહેધરી આપી છે. આ મામલે વધુ સુનાવણી નવેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે.