Gujarat weather update: રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે. રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ છે. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે.
હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.
રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન 45ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં 16મેએ 43.6, 17મે એ 44.2, 18 મેએ 44.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. જેની સરખામણીએ રવિવારે 44.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.3 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં 25 તારીખ સુધી તાપમાન 45ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજધાની દિલ્હીમાં પણ ગરમી (Heat) વધી રહી છે. રવિવારે અહીંનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. હવામાન (Weather) વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી ગરમી (Heat)માંથી રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે રાજસ્થાન તરફથી આવતા ગરમ (Hot) પવનો દિલ્હીને વધુ સળગાવી દેશે.
દિલ્હીના મુખ્ય હવામાન (Weather) કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે.
દિલ્હીનું નજફગઢ દેશમાં સૌથી ગરમ (Hot) હતું, જોકે, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચારથી છ ડિગ્રી વધારે છે. નજફગઢ રાષ્ટ્રીય રાજધાનીનો સૌથી ગરમ (Hot) વિસ્તાર હતો, જ્યાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નજફગઢનું મહત્તમ તાપમાન પણ દેશમાં સૌથી વધુ હતું.