Gujarat crop damage: ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે અનેક જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સર્વેની કામગીરી ગ્રામસેવકો દ્વારા એક અઠવાડિયા માં પૂર્ણ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. આ સાથે જ, કેબિનેટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જિતુ વાઘાણી ને સરકારના પ્રવક્તા મંત્રી (Spokesperson Ministers) તરીકેની જવાબદારી સોંપી છે. અગાઉ આ જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળતા હતા.
ખેડૂતોને રાહત: નુકસાનીનો તાત્કાલિક સર્વે અને વળતર
રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા અને સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આ નિર્દેશ બાદ, મંત્રીઓએ ખેડૂતોની વચ્ચે પહોંચીને તેમની વેદના સાંભળી અને નુકસાનીનું નિરીક્ષણ કર્યું.
- કૃષિ મંત્રી જિતુ વાઘાણી એ ભાવનગર જિલ્લાના શિહોરના કાજાવદર ગામની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજીને ખેડૂતોને પૂરતી મદદ ની ખાતરી આપી હતી.
- અમરેલી જિલ્લામાં કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયા એ સાવરકુંડલાના જાબાળ અને ઘનશ્યામનગર ગામમાં મગફળી અને કપાસ સહિતના પાકોમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક સર્વેનો આદેશ આપ્યો હતો.
- ગીર સોમનાથમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા એ ખેતરોમાં પાણી વચ્ચે ઊતરીને પાકની સ્થિતિ નિહાળી હતી.
- આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ તાપી જિલ્લામાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ મુલાકાતો બાદ, આજે મળેલી કેબિનેટની બેઠકમાં નુકસાની સર્વેને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરશે, જે એક અઠવાડિયા માં પૂર્ણ કરીને રિપોર્ટ સરકારને સોંપશે. આ રિપોર્ટના આધારે જ ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવાશે. સુરેન્દ્રનગરના ખેડૂતોમાં એવી અનિશ્ચિતતા છે કે 2024 ની સહાય હજી મળી નથી, ત્યારે આ વર્ષના નુકસાનની સહાય ક્યારે મળશે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકને થયેલું નુકસાન
- ભરૂચ: હાંસોટ પંથકમાં આશરે 90 હજાર હેક્ટર જમીનમાં વાવેલા પાકનું ભારે ધોવાણ થયું છે.
- રાજકોટ-બોટાદ: ગોંડલ અને કોટડા સાંગાણી જેવા વિસ્તારોમાં મગફળીના પાક પાણીમાં તણાઈ ગયા છે, જેના કારણે કાપણીની કામગીરી પણ અટકી ગઈ છે.
- વડોદરા: છાણી, સોકડા અને ઓમકારપુરા સહિતનાં ગામોમાં લસણ, મેથી, ઘાસ અને શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.
- દાહોદ: ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને મોટો ફટકો પડ્યો છે.
સરકારના નવા પ્રવક્તા મંત્રી: હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી
કેબિનેટની બેઠકમાં પાક નુકસાનીના નિર્ણયની સાથે સાથે સરકારી નીતિઓ અને નિર્ણયોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રવક્તા મંત્રીઓની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે. આ બંને નેતાઓ અગાઉ પણ આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવેથી, તેઓ સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને સત્તાવાર માહિતી પૂરી પાડશે.