Gujarat Top 10 News: ગુનાખોરીથી લઈ વિકાસ સુધી, રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી સામે આવેલા ટોપ-10 સમાચારો.



  1. મોરબીમાં સેવા ઓફિસમાં તોડફોડ:


મોરબીમાં સેવા એ જ સંપત્તિ નામની ઓફિસમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી હતી. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં, શખ્સોએ કર્મચારીને ગાળો આપી લાકડાના ધોકાથી ઓફિસમાં નુકસાન કર્યું હતું. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



  1. ગોધરામાં પીએમ આવાસ યોજનાના નામે ઠગાઈ:


ગોધરામાં પીએમ આવાસ યોજનાના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. દારૂનિયા ગામના યુવક પાસેથી 10 હજાર રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ભોગ બનનાર યુવકે પોલીસમાં લેખિત જાણ કરી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, કાઠીયાવાડમાં મજૂરી કામ કરતી એક વિધવા મહિલાને પણ આવાસ મંજૂર થયાના બહાને ગોધરા બોલાવી ઠગાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામજનોની સતર્કતાથી ઠગ ઝડપાઈ ગયો હતો.



  1. યાત્રાધામો અને પ્રવાસન:


ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ચાર ફેબ્રુઆરીથી અલગ અલગ શહેરોમાંથી પાંચ બસો શરૂ કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી બસો દોડશે, જે મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરળ રહેશે.



  1. સુરતમાં બાળકીનું મોત:


સુરતના ભેસ્તાનમાં એક દુઃખદ ઘટના બની હતી. રમતા રમતા દોઢ વર્ષની બાળકી પહેલા માળેથી નીચે પટકાઈ હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.



  1. અમદાવાદમાં હોટલ સીલ:


અમદાવાદમાં ઢોસા આરોગ્યા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. ઘાટલોડિયાની સાઉથર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથ હોટલને ચેકિંગ બાદ સીલ કરવામાં આવી હતી. હોટલમાં અનહાઈજનીક કન્ડિશન મળી આવી હતી.



  1. સુરતમાં બ્લેકમેલ કરી પૈસા પડાવવાના કેસમાં ધરપકડ:


સુરતમાં મિલ માલિકોને બ્લેકમેલ કરી ધમકી આપનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને પૈસા પડાવ્યા હતા.



  1. કચ્છમાં બોટ પલટી:


કચ્છના લખપતના ક્રિક વિસ્તારમાં સર્વે સમયે બોટ પલટી ગઈ હતી. જો કે બોટમાં સવાર ત્રણ લોકોનો બચાવ થયો હતો.



  1. હત્યાનો ભેદ ઉકેલાયો


મહીસાગરમાં કાળીબેગ ગામે હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી અરજણભાઈ ખાટને ઝડપી પાડ્યો છે. મૃતક સોમાભાઈ ખાટ અને આરોપી વચ્ચે અગાઉ ઝઘડા થયા હતા, જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હતી.



  1. ગોધરામાં રેલવે બ્રિજનું લોકાર્પણ બાકી:


ગોધરામાં 22 કરોડના ખર્ચે રેલવે બ્રિજ બન્યો છે, પરંતુ હજુ લોકાર્પણ ન કરાતા લોકોમાં રોષ છે. બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, લોકાર્પણના અભાવે ટ્રાફિકની સમસ્યા યથાવત છે.



  1. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી


ગોધરા, કાલોલ અને શહેરામાં આજે ખાણ ખનીજ વિભાગનો સપાટો બોલી ગયો છે. ગેરકાયદે ખનન કરતા 4 ટ્રેક્ટર અને 2 ટ્રક ઝડપાયા છે. મેશરી નદીના પટમાં ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 90 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.