ગાંધીનગરઃ બુધવારે મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરશે. એસટી નિગમના કર્મચારીઓ બુધવારથી માસ સીએલ પર જવાના કારણે સાત હજાર બસના પૈડા થંભી જશે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માસ સીએલ પર ઉતરવા માટે મક્કમતા દર્શાવી હતી. નોંધનીય છે કે બુધવારથી મળેલી એસટી નિગમના કર્મચારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતી કાલે એટલે ગુરુવારે એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ ઉપર જવાની યોજના બનાવી હતી. જેને સફળ બનાવવા માટે એસટી નિગમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. પોતાની પડતર માંગણીઓને લઇને મળેલી બેઠકમાં યોગ્ય ઉકેલ આવે તે માટે વાતચીત થઇ હતી. સાથે સાથે ગુરુવારથી એસટીના કર્મચારીઓ માસ સીએલને સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવામાં આવી હતી. આ નિર્ણયથી એક સાથે 7000 હજાર એસટી બસના પૈડા બુધવાર મધ્યરાત્રીથી જ થંભી જશે. એસટી કર્મચારીઓના મતે સરકાર અમારી રજૂઆતોને સાંભળી રહી નથી. જેને કારણે અમે માસ સીએલ પર ઉતરી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલ પર ઉતરવું પડ્યું છે.  ઉલ્લેખનીય છે કે એસટીના કર્મચારીઓ સાતમા પગાર પંચનો અમલ, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, સહિતના 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે હડતાળ પર ઉતરી રહ્યા છે.