Gujarat University fee hike: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની ફીમાં વધારો કરવામાં આવશે. આ ફી વધારો વિવિધ ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોમાં લાગુ થશે, જેના કારણે વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજ વધશે.
ગુરુવાર, તારીખ ૨૦/૦૨/૨૦૨૫ ના રોજ યોજાયેલી ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સભામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં લેવાયેલા નિર્ણયોની માહિતી યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ફી રેગ્યુલરિટી કમિટી (FRC) ની ભલામણોને ધ્યાનમાં રાખીને આ ફી વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે FRC ની રચના ૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી અને ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મળેલી બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને હવે મંજૂરી આપવામાં આવી છે.
નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવનાર ફી વધારા અનુસાર, વિવિધ અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર અંદાજે ૧૮૦૦ થી ૨૨૫૦ રૂપિયાનો વધારો થશે. આ વધારો મુખ્યત્વે PhD, BBA, BCA, BSc, BCom અને BA જેવા અભ્યાસક્રમોમાં લાગુ થશે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને વર્તમાન સમયમાં સંસ્થાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ મામૂલી વધારો અનિવાર્ય હતો. તેઓએ એ પણ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી લેવામાં આવતી એફિલિએશન ફીમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સભામાં અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રીનો વિકલ્પ આપવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના નિયમિત અભ્યાસક્રમની સાથે સાથે અન્ય કોઈ ડિગ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે અને પોતાના રસ મુજબની ડ્યુઅલ ડિગ્રી મેળવી શકશે. તે સિવાય યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અધ્યાપકોની ઘટને પહોંચી વળવા માટે ડેપ્યુટેશન પર અધ્યાપકોની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે, જેથી વિદ્યાર્થીઓને સિનિયર અધ્યાપકોનો લાભ મળી રહે. ગુજરાત યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓને વધુ સારી બનાવવા અને રમતોને પ્રોત્સાહન આપવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) બહાર પાડવાનો અને જરૂરી સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય પણ સભામાં લેવામાં આવ્યો હતો.
ફી વધારાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં થોડી નિરાશા જોવા મળી શકે છે, પરંતુ યુનિવર્સિટી પ્રશાસનનું માનવું છે કે આ વધારો સંસ્થાના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી છે.
આ પણ વાંચો....
VR-CRના નેતૃત્વમાં વધુ એક વાર રાજ્યમાં લહેરાયો ભગવો, 68 નગરપાલિકાઓ પૈકી 62 પર ભાજપે સત્તા મેળવી