કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી LLBની પરીક્ષા હવે ઓનલાઈન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમને 19 જૂન સુધીમાં ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.


19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ના પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે.


સેમેસ્ટર 2, 4, 6 અને ઈન્ટ્રીગ્રેટેડ લોની આ પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા પસંદ કર્યા બાદ મોક ટેસ્ટ પણ આપવી પડશે. મોક ટેસ્ટ આપી હશે તેને જ ઓનલાઇન પરીક્ષા આપવા દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરશે તેમને યુનિવર્સિટીના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને પરીક્ષા આપવી પડશે.


આ માટે 50 માર્કસની MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા યોજાશે. જેમાં 50 મિનિટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એકવાર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાના વિકલ્પની પસંદગી બાદ બદલી શકાશે નહીં.


નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કાયદા શાખાના હજારો વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય લેવાયો હતો. કાયદા શાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કાયદા શાખાની પરીક્ષા ફરજિયાત પણે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ પરીક્ષા ફરજિયાત લેવા અંગેનો નિર્ણય કર્યો છે.


નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતમાં કોરોનાના પ્રકાપનો જોતા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીએ કોરોનાની રસી લઈ લીધે હશે તેને ઈન્ટરનર્લમાં પાંચ માર્કસ આપવાની હાલ વિચારણા ચાલી રહી છે. યુનિવર્સિટી આવા નિર્ણયની વિચારણા કરી રહી છે. જોકે આગામી દિવસોમાં યુનિવર્સિટીની સિંડીકેટની બેઠક મળશે જેમાં નિર્ણય લેવાઈ શકે છે.


રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા ઈન્ટરનલ માર્કસ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. સામાન્ય રીતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની હાજરી, વર્તણૂંક, NCC કે NSS જેવી પ્રવૃતિમાં ભાગ લીધો હોય કે સ્પોર્ટસ ક્ષેત્રે કોઈ સિદ્ધી પ્રાપ્ત કરી હોય તો તેના ઈંટરનલ માર્કસ આપવામાં આવે છે. પરંતું કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઈટરનલમાં પાંચ માર્કસ રસીના ગણવા હાલ વિચારણા ચાલી રહી છે.