રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અથવા તો હળવા વરસાદ પડવાની શક્યતા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તાર અને કચ્છમાં વાતાવરણ સૂકુ રહેશે. ભેજના ઉંચા પ્રમાણ સાથે તીવ્ર ગરમી અને અસહ્મ ઉકળાટ, બફારાથી લોકો પરેશાન છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં 30 જૂન સુધી ચોમાસુ બેસી જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.


દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 15 થી 17 જૂન વચ્ચે ભારે વરસાદ આવી શકે તેવું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે. દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફુંકાવાને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 15-17 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને આ સંદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે.


ચોમાસુ આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે. શુક્રવારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને બંગાળના વધુ વિસ્તારોમાં પહોંચ્યુ છે. ચોમાસાની ઉત્તરીય સીમા દિવ, સુરત, રાયસેન, દમોહ, ઉમરિયા, પૂરી અને કૃષ્ણાનગર માદલા સુધી પહોંચ્યું છે. 13 જુન સુધી ગુજરાત, મધ્યપ્રદેશના કેટલા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢના બાકીના વિસ્તારો અને સંપૂર્ણ બંગાળ, ઝારખંડ અને બિહાર સુધી ચોમાસુ પહોંચી જશે.