Gujarat voter list update: ગુજરાતના નાગરિકો અને મતદારો માટે અગત્યના સમાચાર છે. ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા રાજ્યમાં હાથ ધરાયેલી SIR (Special Intensive Revision) ઝુંબેશ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હવે તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યભરમાં ઘરે-ઘરે જઈને થયેલી ચકાસણીની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. આગામી 19 ડિસેમ્બર, 2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો આ યાદીમાં તમારું નામ ન હોય, તો ગભરાવાની જરૂર નથી, ચૂંટણી પંચે વાંધા અરજી કરવા માટે 18 જાન્યુઆરી, 2026 સુધીનો સમય આપ્યો છે.

Continues below advertisement

ગુજરાતમાં લોકશાહીના પર્વને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે Election Commission of India દ્વારા 27 ઓક્ટોબર, 2025 થી રાજ્યવ્યાપી 'ખાસ સઘન સુધારણા' (SIR) ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મહાકાય અભિયાન હવે પૂર્ણતાના આરે છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓની 182 વિધાનસભા બેઠકો પર મતદારોની ચકાસણીનું કામ 100% સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મ અપાયા હતા, જેનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે યાદીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હતા, જ્યારે 40 લાખથી વધુ લોકો કાયમી ધોરણે સ્થળાંતરિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, 9.69 લાખ મતદારો ગેરહાજર અને 3.81 લાખ નામો ડુપ્લિકેટ (Repeated) હોવાનું સામે આવ્યું છે. આ તમામ ક્ષતિઓ સુધારીને હવે એક શુદ્ધ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.

Continues below advertisement

હવે મતદારોએ શું કરવાનું રહેશે?

તારીખ 19-12-2025 ના રોજ નવી મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) સત્તાવાર રીતે પ્રસિદ્ધ થશે. આ યાદીમાં જો તમારું નામ કમી થઈ ગયું હોય અથવા કોઈ ભૂલ હોય, તો નાગરિકો 19 ડિસેમ્બર, 2025 થી 18 જાન્યુઆરી, 2026 સુધી વાંધા-દાવા રજૂ કરી શકશે.

જો તમે ભારતીય નાગરિક છો અને SIR ઝુંબેશ બાદ પણ તમારું નામ ડ્રાફ્ટ રોલમાં નથી, તો તમે જરૂરી આધાર-પુરાવા સાથે Form No. 6 ભરીને નામ નોંધણી કરાવી શકો છો. ચૂંટણી પંચનો સ્પષ્ટ હેતુ છે કે "પાત્રતા ધરાવતો એક પણ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા નામ સામેલ ન થાય." ખાસ નોંધ લેવી કે બે અલગ-અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ રાખવું એ કાયદેસરનો ગુનો બને છે.