શુક્રવારે અમરેલી, સુરત, અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલીમાં પડેલા વરસાદના કારણે રાજુલાના ધાતરવાડી-2 ડેમમાં પાણીની ભારે આવક થઈ હતી. શિયાળાની ઋતુમાં પ્રથમ વખત ડેમ ઓવર ફ્લો થતાં તંત્ર દ્વારા 2 ઈંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ખાખબાઈ, હિંડોરાણા, વડ, ભાયાવદર સહિત આસપાસના ગામડાને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.
રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરુચ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.
વરસાદથી ખેડૂતોના તલ,મગફળી,કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. હજી તો તેની પણ કળ નથી વળી ત્યાં શિયાળુ પાકનું વાવેતર કરતા જ વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે. મજૂરોના વાંકે ગઇ સિઝનનો કપાસ હજી ખેડૂતોના કપાસમાં પડ્યો છે, તે પલળી જતાં આર્થિક ફટકો પહોંચશે.